રાજકોટમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. મળી રહેલા અહેવાલ પ્રમાણે બુધવારે બપોરથી સાંજ સુધીમાં ૪ ઇંચ વરસાદ વરસ્યા બાદ રાત્રે ૧૦ વાગ્યાથી ફરી એક વખત સુપડાધારે વરસાદ શરૂ થયો હતો અને રાત્રે એક વાગ્યા સુધીમાં વધુ ૯ ઇંચ પાણી સાથે કુલ ૧૩ ઇંચ પાણી વરસી જતાં સમગ્ર શહેર જળબંબાકાર થઇ ગયું હતું.
રાત્રે એક વાગ્યા બાદ પણ વરસાદ ચાલું જ રહ્યો હતો. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રાત્રે પાણી ફરી વળ્યા હતાં. પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં અનેક સોસાયટીના મકાનો અને દૂકાનોમાં પાણી ભરાઈ ગયા હતાં. જેના કારણે લોકોએ રાત ઉજાગરો કરવાની ફરજ પડી હતી. સતત પડી રહેલા વરસાદને કારણે રાજકોટનો ન્યારી અને આજી-2 ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. જ્યારે રાજકોટને પણી પુરો પાડતો આજી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. મળી રહેલી માહિતી પ્રમાણે આજી ડેમ 26ની સપાટી પર પહોંચી ગયો છે.
તો ગોંડલમાં પણ સાત ઈંચ વરસાદ પડ્યાના સમાચાર છે. રાજકોટ, ગોંડલ, જેતપુર અને ધોરાજીને પાણી પુરુ પાડતો ભાદર ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે. હાલમાં ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે સુરેન્દ્રનગર ઉપરવાસમાં આવેલો ધોળીધજા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. જેના કારણે ડેમ નીચે આવેલા ચાર કોઝવેને બંધ કરી દેવામાં આવ્યા છે.
Source- www.divyabhaskar. co.in
No comments:
Post a Comment